Essays Archives

20મી સદીના પૂર્વાર્ધમાં અમદાવાદ અને ગુજરાતના એક કેળવણીકાર તરીકે અને અમદાવાદમાં માધ્યમિક શિક્ષણના ગંગોત્રી શિખર તરીકે ખૂબ આદરપૂર્વક લેવાતું એક નામ.
એકવડું શરીર, માથે ટોપી, મોટે ભાગે શ્વેત ઝભ્ભો અને ધોતિયું, ૠતુ પ્રમાણે ઉપર લાંબો કોટ, મૃદુ છતાં મક્કમ સ્પષ્ટ અવાજ, અતિશય કોમળ હૃદય અને અંતર્મુખ વ્યક્તિત્વ.
સન 1888માં ફેબ્રુઆરીની 18મીએ અમદાવાદમાં રાયપુરમાં તેમનો જન્મ. તેમના પિતાશ્રી શિવપ્રસાદ રેલવેમાં અધિકારી હતા. વિનાયકરાય તેમના જ્યેષ્ઠ પુત્ર. તેઓનું કુળ ‘ૠષિકુળ’ના નામથી જાણીતું હતું. હંમેશાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવું, નિત્ય પૂજા-પાઠ કરવા, સાદું જીવન જીવવું એ એમનો અને એમના કુળનો મુદ્રાલેખ. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતામહી અને માતુશ્રીની છત્રછાયામાં ઊછર્યા. ગળથૂથીમાંથી જ હૃદયની વિશાળતા, સરળતા અને ઉત્તમ લક્ષણો તેમનામાં સહજતાથી સિંચાઈ ગયાં હતાં. ગુજરાત કૉલેજમાં વિખ્યાત વિદ્વાન આનંદ-શંકર ધ્રુવના પ્રિય વિદ્યાર્થી તરીકે તેમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પ્રભુત્વ મેળવ્યું હતું. 1910માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા બાદ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને ત્યારબાદ નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું.
એ સમયે અમદાવાદની વસ્તી દોઢ-બે લાખની. અંગ્રેજી રાજ્ય પૂરબહારમાં ખીલ્યું હતું, છતાં કેળવણી માટે યોગ્ય સુવિધાઓ નહોતી. વળી, કન્યાઓ માટે તો ભાગ્યે જ કોઈ વિચારતું હતું. એ અરસામાં સન 1912માં ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ભારતીય ધ્વજને ફરકાવવાની વિદ્યાર્થીઓની માંગણીને સત્તાધીશોએ ઠુકરાવી, ત્યારે શહેરના કેટલાક અગ્રણીઓના મનમાં રાષ્ટ્રીય ભાવના સાથે ખાનગી શાળા શરૂ કરવાની ઝંખના જાગી.
એ જ ઝંખના સાથે સન 1914માં, પોતાની નબળી આર્થિક સ્થિતિમાં પણ, અનેક મુશ્કેલીઓનો સામનો કરીને માધ્યમિક શાળા શરૂ કરી વિનાયકભાઈએ. સન 1915માં તેમણે મગનભાઈ કરમચંદની હવેલીમાં વિખ્યાત લેખક અને વિદ્વાન શ્રી આનંદશંકર ધ્રુવ તેમજ રમણભાઈ નીલકંઠના હસ્તે ટ્યુટોરિયલ હાઈસ્કૂલની શરૂઆત કરી. વિનાયકભાઈની પ્રતિભાને કારણે પહેલા જ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 1,000 કરતાં વધી ગઈ. પછી તો તેમણે એક પછી એક શાળાઓ પણ શરૂ કરી. ભરૂચમાં પણ તેમણે એક શાળા સંચાલિત કરી. કન્યાઓ માટે પણ તેમણે અલગ માધ્યમિક શાળાની શરૂઆત કરી. અમદાવાદમાં ખાનગી શાળાઓની સ્થાપના કરીને કેળવણી, સંસ્કાર અને ચારિત્ર્ય શુદ્ધિનું અમૃતપાન કરાવનાર વિનાયકરાયની ખ્યાતિ  ટૂંક સમયમાં જ એક શ્રેષ્ઠ કેળવણીકાર તરીકે સર્વત્ર પ્રસરી ગઈ હતી.
તેમની નીચે શિક્ષક તરીકેની તાલીમ પામેલા કેટલાય શિક્ષકોએ પોતાની આગવી શાળાઓ ખોલી અને તેમાંથી તેઓ પ્રતિભાસંપન્ન બન્યા. એ દરેકને વિનાયકભાઈ વિશાળ હૃદયે પ્રોત્સાહન, મદદ અને માર્ગદર્શન આપે. એમને કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે ઈર્ષ્યા નહીં. આર્થિક દૃષ્ટિએ સદ્ધર નહોતા, છતાં બીજાને ઉપર લાવવા ગુપ્તદાન અને સખાવત કરવી એ એમનો સહજ ક્રમ હતો.
ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પરનું એમનું પ્રભુત્વ અદ્વિતીય હતું. આથી વિદ્યાર્થીઓ પણ સર્વાંગ વ્યક્તિત્વ વિકસાવે એ માટે તેઓ કટિબદ્ધ હતા. વિદ્યાર્થીઓની ક્ષમતાને સતત મહોરાવવાનું એમને વ્યસન. વિદ્યાર્થીને આગળ વધતાં જોઈને સાહેબ ગદગદ થઈ જાય. લાખો વિદ્યાર્થીઓના તેઓ સાચા અર્થમાં સંસ્કારદાતા બન્યા હતા. એટલે જ એમની ટ્યુટોરિયલ હાઈસ્કૂલ ઉચ્ચ શિક્ષણ માટે મશહૂર હતી. વિનાયકભાઈએ તેમાં પોતાનો પ્રાણ રેડ્યો હતો. કેવી હતી એમની છબિ ? વિનાયકભાઈની સાથે રહીને વર્ષો સુધી શિક્ષણ સેવા કરનાર ખેંગારજીભાઈ ચૌહાણ તેની એક શબ્દછબિ રજૂ કરતાં લખે છે : ‘સાહેબ શાળાનો સમય પતી ગયા પછી સાંજના મોડે સુધી શાળાના પ્રાંગણમાં ખુરશી ઉપર બેસી વિદ્યાર્થીઓનાં લખાણો, નિબંધની નોટબુકો ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક તપાસે, તેમાં સરસ મજાનાં સૂચનો લખે અને તેમની ભાષા સુધારે. ઉત્તમ કક્ષાના વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવી તેમને મેટ્રિક યુનિવર્સિટીની પરીક્ષા માટેની તૈયારી પોતે જાતે ખાસ શિક્ષણ આપી કરાવે, એમ તેમને પ્રોત્સાહિત કરે. આવા તેમના વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના અપ્રતિમ રસથી તૈયાર થયેલા ઘણાય વિદ્યાર્થીઓમાં, મુંબઈ યુનિવર્સિટીમાં આખાય મુંબઈ ઇલાકામાં અંગ્રેજીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી, મુંબઈની હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી નોમનભાઈ મિયાંભાઈ સાહેબનું નામ અહીં ટાંકતાં આનંદ થાય છે. તેમ જ શ્રી કે. જે. શાહનું નામ પણ મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં પ્રથમ આવી આ શાળાનું નામ રોશન કરનારા જ્વલંત વિદ્યાર્થી તરીકે આપી શકાય. સેન્ટરમાં પ્રથમ આવનાર અંગ્રેજીના પ્રૅફેસર તથા એક ક્રિશ્ચિયન કૉલેજના પ્રિન્સિપાલ તરીકે નામાંકિત થયેલ શ્રી સિરિલ ઠાકોરનું નામ પણ ગણતરીમાં લઈ શકાય. સેન્ટરમાં પહેલા પાંચ કે દસમાં આવનાર વિદ્યાર્થીઓની નામાવલિ ખૂબ લાંબી બની જાય તેવી છે.’ ક્યારેક લોકોએ તેમને બસ સ્ટેન્ડ ઉપર બેસીને વિદ્યાર્થીઓની નોટ તપાસતા જોયા છે. નિષ્ઠા ને પ્રામાણિકતા એમના રોમરોમમાં વસેલી સુવાસ હતી.
આ હતું એમના જીવનનું એક પાસું. અને બીજું પાસું હતું - એમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ. શ્રી વિનાયકરાય સાહેબના પરિચયમાં આવનાર કોઈપણ તેમના અપાર દુર્લભ ગુણોની સુમધુર ફોરમથી અવશ્ય પ્રભાવિત થાય જ. સમયપાલનની બાબતમાં નિયમિત અને ચોક્કસ, મીઠે અને મરચે મોળી એવી ભાત અને કોદરીની રસોઈનું સાદું ભોજન, મિતભાષી અને અંતર્મુખ વ્યક્તિત્વ, તેમના વ્યક્તિત્વમાં એક પરમ ભક્તનું સૌને દર્શન થતું. રોજ સાયંકાળે હાટકેશના મંદિરમાં ધ્યાનાવસ્થામાં ઊભા રહી શિવસ્તુતિ કરતા એમને જોઈને કોઈને પણ એમની ૠષિતુલ્ય પ્રકૃતિ હૈયે વસી જતી.
એવામાં એમના જીવનમાં એક વળાંક આવ્યો.
1932નું વર્ષ હતું. અવિરત વિચરણ કરતાં કરતાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રઢુ પધાર્યા હતા. આ પ્રસંગે વિનાયકભાઈની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ખેંગારજીભાઈ ચૌહાણ તેમને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરાવવા સાથે લઈને રઢુ આવ્યા હતા. કારણ એટલું જ હતું કે કેટલાય માસથી તેઓ નિદ્રાના અભાવથી પીડાતા હતા. આથી ખેંગારજીભાઈએ અનિદ્રાની આ અતિ પીડાદાયક મુશ્કેલીમાંથી મુક્ત થવા વિનાયકરાયને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેવાની વિનંતી કરી હતી.
સંતો-હરિભક્તોની સભા વચ્ચે ખેંગારજીભાઈએ વિનાયક સાહેબનો પરિચય કરાવતાં શાસ્ત્રીજી મહારાજને કહ્યું : ‘સાહેબ છેલ્લા કેટલાય માસથી નિદ્રાના અભાવથી શક્તિહીન થઈ ગયા છે તો આપ કાંઈક કૃપાદૃષ્ટિ કરો.’
તેમની આ વાત સાંભળી શાસ્ત્રીજી મહારાજે મંદ મંદ સ્મિત કરતાં કહ્યું : ‘નિદ્રા તો અમારી ગાદીતળે ઘણીય છે. માટે વર્તમાન ધરાવી સત્સંગી થાય અને વચનામૃત વાંચવાનો અભ્યાસ રાખે, તો નિદ્રા તો આજે આવે.’
નાગર કુળમાં જન્મેલા અને વેદાંતનું જ્ઞાન ધરાવતા વિનાયકભાઈ ઉપર શાસ્ત્રીજી મહારાજની બ્રહ્મસ્થિતિનો અદ્ભુત પ્રભાવ પડ્યો. છતાં તેમને એ વાતે ખૂબ આશ્ચર્ય થયું કે નિષ્ણાત ડૉક્ટરોએ અસાધ્ય જાહેર કરેલા આ રોગને સ્વામીશ્રી આટલી સરળ રીતે મટાડી શકશે ! તેમણે તરત જ વર્તમાન ધરાવ્યાં, કંઠી પહેરી અને વચનામૃતનું પુસ્તક લીધું. પોતાના આસને જઈ તેમના સહાયકને કહ્યું : ‘આ વચનામૃતમાંથી તમે વાંચો અને હું સૂતો સૂતો સાંભળું.’
તેમના સહાયકે વચનામૃત વાંચવાની શરૂઆત કરી. ત્રણ વચનામૃત વાંચ્યાં ત્યાં તો વિનાયકરાય ઘસઘસાટ ઊંઘવા લાગ્યા ! બરાબર આઠ કલાકે વિનાયકરાય જાગ્યા ! આઠ-દસ મહિનાની ભયંકર અનિદ્રા પછી તેમને એકદમ શાંતિ થઈ ગઈ ! ‘સ્વામીશ્રીના આશીર્વાદનું જ આ ફળ છે’, એ પ્રતીતિ સાથે તેઓ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ભક્તિભાવના અંતરંગ રંગથી સંપૂર્ણ રંગાઈ ગયા.
વર્ષો પછી આ અદ્વિતીય અનુભવને લખતાં વિનાયકભાઈએ શાસ્ત્રીજી મહારાજના અપૂર્વ પ્રભાવને આમ વર્ણવ્યો છે : ‘શ્રીજીસ્વરૂપ પરમ પૂજ્ય સદગુરુ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજીના પરમ પાવનકારી પરમ કલ્યાણકારી સમાગમમાં હું આશરે અઢાર વર્ષ ઉપર આવ્યો. તે વખતે મને લગભગ છ મહિના સુધી ઊંઘ આવે નહીં અને ચિત્ત વ્યગ્ર રહે. આ ભયંકર રોગ પરમ પૂજ્ય સ્વામીશ્રીની કૃપાથી અને તેમના વચનથી મટી ગયો અને મને તેઓશ્રીએ જીવિતદાન આપ્યું. જીવિતદાન આપવા ઉપરાંત તેમણે મને પોતાનો આશ્રિત કર્યો. ત્યારથી તેમના પરમ હિતકર સમાગમ અને સેવાનો લાભ મને મળતો રહ્યો છે. અનેક સમૈયા, ઉત્સવો, પારાયણો, કથાવાર્તાઓમાં દક્ષિણમાં નાસિકથી ઉત્તરમાં કરાચી સુધી અનેક સ્થળોમાં જ્યાં જ્યાં તેઓશ્રીએ મનુષ્યોના કલ્યાણ માટે અથાગ વિચરણ કર્યું છે, ત્યાં ત્યાં તેમના અલભ્ય અને અમૂલ્ય સમાગમનો બને તેટલો લાભ લેવાનો મેં પ્રયત્ન કર્યો છે, અને તેમની અદ્ભુત લીલા અને તેમનાં અનેક આશ્ચર્યના પ્રત્યક્ષ અનુભવોનો લાભ લીધો છે. પરમ પૂજ્ય અનાદિ અક્ષરમૂર્તિ સ્વામીશ્રી ગુણાતીતાનંદજીએ તેમની વાતોમાં કહ્યું છે કે બધાં શાસ્ત્રોનો સાર સંતનો સમાગમ છે. આપણાં મોટાં ભાગ્ય છે અને અનેક જન્મનાં પુણ્યનું ફળ છે કે સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ પ્રગટ સંત સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજનાં દર્શન, સમાગમ, સેવાની આપણને પ્રાપ્તિ થઈ છે.’(‘પ્રકાશ’, 1950 એપ્રિલ, પૃષ્ઠ 177)

એક અન્ય લેખમાં તેઓ પ્રત્યે શાસ્ત્રીજી મહારાજના વાત્સલ્યની અદ્ભુત વાત સાંકળી લીધી છે : ‘પરમ પૂજ્યપાદ શ્રીજીસ્વરૂપ શ્રી યજ્ઞપુરુષદાસજીનાં પ્રથમ દર્શન શ્રી ખેંગારજીભાઈ ચૌહાણે મને સને 1932માં બોચાસણ તીર્થમાં કરાવ્યાં. તે વખતે સ્વામીજીએ મને વેદાંતશાસ્ત્રના જ્ઞાનની પ્રસાદી કૃપા કરીને આપી. તાવ હોવા છતાં તેઓશ્રી બીજે દિવસે સવારે સ્નાનાદિક નિત્યકર્મ કરી, મુમુક્ષુઓના હિત માટે બીજે ગામ પધાર્યા. થોડા સમય પછી મને ઊંઘ જરા પણ ન આવે તેવું દર્દ લાગુ પડ્યું અને ચિત્ત વિભ્રાંત થઈ ગયું. સ્વામીજીએ કૃપા કરી મને ‘વર્તમાન’ ધરાવી, સત્સંગી કરી, તે દર્દ મટાડ્યું. તે પછી મારી સાથે પધારી શ્રી ગઢડા અને શ્રી વડતાલ એ સંપ્રદાયનાં બે મુખ્ય ધામનાં દર્શન કરાવ્યાં. અનુગ્રહ તથા કૃપાના અમૃતનો વરસાદ પોતાના આશ્રિતજનો ઉપર તેઓશ્રી વરસાવે છે. ઉત્સવ, સમૈયા, પારાયણો, પધરામણી દ્વારા અતુલિત સુખ, શાંતિ, આનંદ આપે છે. ગામે ગામ ફરી અથાગ શ્રમ લઈ, શ્રી સહજાનંદજી મહારાજ પોતે જ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા છે અને તેમના શિષ્ય શ્રી ગુણાતીતાનંદજી અનાદિ અક્ષરમૂર્તિ તેમનું ધામ છે - એવી સર્વોપરિ ઉપાસના અને નિષ્ઠા પ્રવર્તાવે છે. તેઓશ્રી પરમ કૃપાળુ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સહજાનંદજી મહારાજના પરમ એકાંતિક પરમ ભાગવત સંત છે અને શ્રીજી તેઓશ્રી દ્વારા પ્રત્યક્ષ વિચરે છે અને કલ્યાણકારી દિવ્ય આશ્ચર્યમય ચરિત્રો કરે છે.’(‘પ્રકાશ’, 1940, માર્ચ, પૃષ્ઠ 121)
શ્રી વિનાયકભાઈ સાચા અર્થમાં એક પરમ ‘ભક્તરાજ’ હતા. તેમને ઘેર વાતાવરણમાં આધ્યાત્મિકતા છલકાતી રહેતી. તેમનાં માતુશ્રી કાયમ ‘રામાયણ’ ‘ભાગવત’ વગેરે વાંચતાં જ હોય. કાશી સુધીના વિદ્ધાન બ્રાહ્મણો તેઓશ્રીના આમંત્રણથી તેમને ઘેર આવી શ્રીમદ્‌્ભગવદ્ગીતા, વેદ-વેદાંત, સાંખ્ય અને યોગ શાસ્ત્રોની કથા કરતા. તેમની સાથે વિનમ્ર ભાવે વિનાયકરાય સાહેબ આ શાસ્ત્રોની ગહન ચર્ચા કરતા, અને પ્રકાંડ શાસ્ત્રીઓ, પંડિતો પણ તેમના જ્ઞાનથી આશ્રર્ય પામતા. તેમાં વળી શાસ્ત્રીજી મહારાજનો યોગ થતાં એ તમામ શાસ્ત્રજ્ઞાન તેમને માટે જાણે પ્રત્યક્ષ થયું હોય તેવી અનુભૂતિ હતી. પોથીઓમાં પડેલી શાસ્ત્રોક્ત વાતો તેમને માટે શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે નજર સામે પ્રગટ જ ઊભી હતી. આથી, તેઓ શાસ્ત્રીજી મહારાજને શાસ્ત્રની આંખે અનુભવ સહિત નિહાળ્યાનો અતુલનીય આનંદ માણતા હતા.
ભગવાન સ્વામિનારાયણ પછી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમના દિવ્ય ઐશ્વર્યનો પુનઃ અનુભવ કરાવનાર હતા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. તેમાય  ખાસ કરીને સમાધિનો દિવ્ય અનુભવ અનન્ય હતો. શ્રી વિનાયકરાય સાહેબ તેના સાક્ષી હતા. તેઓ લખે છે : ‘શ્રીજીસ્વરૂપ પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજીના આશ્રિત શિષ્ય જેઓ છે અને થાય છે તેમનાં અહોભાગ્ય છે. જે પ્રાપ્તિ દેવોને દુર્લભ છે અને જે પ્રાપ્તિ દેહ મૂકીને થાય તે દેહ છતાં થઈ છે. મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે અને તેનો હેતુ મુક્તિ અથવા મોક્ષ છે. આત્મા પરમાત્માનું જ્ઞાન થવું અને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ પરમાત્માની અને તેમના સંત અને સત્સંગીઓની સેવા કરવી એ જ મોક્ષ છે. આ જ્ઞાનનો અલૌકિક લાભ સદ્ગુરુ આપે છે એ એમની અપાર કૃપા છે.’
‘પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ શ્રીજીસ્વરૂપ પરમ એકાંતિક સંત છે. એ નિશ્ચય તેમનાં અલૌકિક ઐશ્વર્ય, લીલા, ઉપદેશથી થયા વગર રહેતો નથી. શ્રીજીના પ્રાકટ્ય વખતે જે સમાધિનું પ્રકરણ હતું તે અત્યારે ચાલુ છે. અને સમાધિમાં તથા બીજે સમયે અનેક જનને તેમનાં દર્શન થાય છે. જીવનના અંત સમયે અનેકને તેઓશ્રી દર્શન આપી અક્ષરધામમાં તેડી જાય છે એ મારી અનુભવસિદ્ધ હકીકત છે.’ (‘પ્રકાશ’, 1950, આૅગસ્ટ, પૃષ્ઠ : 314)
આ સમાધિ પ્રકરણ પાછળ શાસ્ત્રીજી મહારાજનો હેતુ શો હતો ? વિનાયકરાય સાહેબે તેની સૂક્ષ્મ ચકાસણી કરી હતી. તેમાં ક્યાંય શાસ્ત્રીજી મહારાજને પોતાને મનાવા-પૂજાવાનું કોઈ લક્ષ્ય નહોતું, તે તેમને સ્પષ્ટ હતું. તેઓ લખે છે : ‘શાસ્ત્રીજી મહારાજનું જીવનકાર્ય શ્રી અક્ષરપુરુષોત્તમની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવાનું છે. શ્રીજીમહારાજ સર્વોપરી, અવતારના અવતારી, પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રી ગુણાતીતાનંદજી તેમના પરમ ભક્ત અને તેમને રહેવાનું ધામ છે. અને આ પરમ ભક્ત સહિત ભગવાન શ્રીજીમહારાજની મધ્ય મંદિરે સ્થાપના અને ઉપાસના એ જ સર્વોપરી ઉપાસના છે - એવો ઉપદેશ એમણે અનેક કષ્ટો વેઠી જીવનભર આપ્યા કર્યો છે. અનેક સમૈયા, પારાયણો, કરાચી, મારવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, નાસિક, ખાનદેશ વગેરે સ્થળોએ કરી આ ઉપાસનાનો ડંકો વગાડ્યો છે. તેમની વિદ્વત્તા અપાર છે અને તેને લીધે તેઓશ્રી ‘શાસ્ત્રીજી મહારાજ’ તરીકે સુપ્રસિદ્ધ છે.’
‘તેઓશ્રીનું જીવન અલૌકિક પ્રસંગોથી ભરપૂર છે. સારંગપુરમાં દવા તરીકે ભૂલથી અપાયેલું હળાહળ ઝેર તેમને કંઈ ન કરી શક્યું. તેમની કૃપાથી અનેક જનને આ લોક તેમજ પરલોકનું સુખ મળે છે.’
શાસ્ત્રીજી મહારાજની અપાર સાધુતા અને ઐશ્વર્ય પ્રતાપને માણીને સતત ‘અહો’ ‘અહો’ અનુભવતા સાહેબે જીવનભર શાસ્ત્રીજી મહારાજને પ્રસન્ન કરવા એ જ જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું.
શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષણ સેવાઓનો આરંભ કરનાર પણ વિનાયકરાય સાહેબ હતા. સત્સંગીઓના બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળે તે માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તેમને અંગ્રેજી અભ્યાસ કરાવતી એક શાળા સ્થાપવાની આજ્ઞા આપી હતી. સાથે સાથે સત્સંગી વિદ્યાર્થીઓ માટે એક બોર્ડિંગ એટલે કે છાત્રાલય સ્થાપવાની પણ તેમણે આજ્ઞા આપી હતી. તે અનુસાર વિનાયકરાય સાહેબે સન 1942ના જાન્યુઆરી માસના ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં તેની જાહેરાત આપતાં લખ્યું હતું : ‘આ શાળા શ્રીજીસ્વામી તથા તેમના મોટા સંતોની દૃષ્ટિથી તથા બ્રહ્મસ્વરૂપ સદ્ગુરુ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજની અપાર દયાથી, તથા સ્વામીશ્રી નિર્ગુણદાસજી, યોગી મહારાજ શ્રી જ્ઞાનજીવનદાસજી વગેરે સંતોના ખાસ આશીર્વાદથી સમગ્ર સત્સંગના બાળકોને સત્સંગોચિત પવિત્ર ઉચ્ચ સંસ્કાર સિંચવાના ખાસ આશયમાં જરૂર ફત્તેહમંદ થશે, એવી નમ્ર આશા અમે રાખીએ છીએ.
આ શાળા સાથે જોડાયેલ તેમજ આ શાળાની નજીક નદી કાંઠે જ એક સત્સંગ સમાજ બોર્ડિંગ, પણ ખોલવાની અમારી તીવ્ર ઉમેદ છે, જ્યાં આદર્શ સત્સંગીના મોટા ઘર જેવું જ વાતાવરણ રાખવામાં આવશે. શાળાના વિષયો અભ્યાસમાં મદદ ઉપરાંત નિયમ-ધર્મ, પૂજા-પાઠ તેમજ ધાર્મિક વિષયોની ચર્ચા તથા જ્ઞાનોપદેશ વગેરેની યોગ્ય સગવડ રાખવાનું પણ અમે ચૂકશું નહીં.’
અને શાહપુરમાં શ્રી કાશીવિશ્વનાથ મહાદેવના પ્રાસાદિક મંદિરની નજીક આ શાળાનું નવું મકાન બનાવીને તેમણે શાસ્ત્રીજી મહારાજને અર્પણ કર્યું હતું. ‘ધી શાહપુર ટ્યુટોરિયલ હાઈસ્કૂલ’ અને ત્યારબાદ ‘યજ્ઞપુરુષ હાઈસ્કૂલ’ના નામથી તેમણે શરૂ કરેલી એ શાળા વર્ષો સુધી કેટલાયના જીવનઘડતરની આદર્શ શાળા બની રહી હતી.
વિવિધ ક્ષેત્રે એ મહાન ગુણાતીત સત્પુરુષની તન-મન- ધનથી નિષ્કામ ભાવે સેવા કરી, તેમનો અંતરનો રાજીપો તેમણે કમાઈ લીધો હતો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યસહિત ભગવાનની ભક્તિયુક્ત એકાંતિક ભક્તના ગુણો તેમણે સિદ્ધ કર્યા હતા. શાસ્ત્રીજી મહારાજની કૃપાથી ગીતામાં આલેખાયેલ ‘સ્થિતપ્રજ્ઞ’ની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ તેમને સહજ સિદ્ધ હતી.
શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજની અપારપ્રસન્નતા મેળવીને એમણે પોતાના જીવનને એકાંતિક   મુકતોની હરોળમાં મૂકી દીધું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર ભક્તોમાં  તેઓ ‘બ્રહ્મર્ષિ’નું બિરુદ પામ્યા હતા. એક ગૃહસ્થાશ્રમી સત્સંગી તરીકે વિનાયકભાઈ  સૌ માટે પ્રેરણાની મૂર્તિ બન્યા હતા. અમદાવાદના શાહીબાગના બી.એ.પી.એસ. મંદિરે નીચું મુખ રાખીને ધ્યાનાવસ્થામાં બેઠેલા વિનાયકભાઈની આદર્શ ભક્ત તરીકેની છબી આજેય, કેટલાય હરિભક્તોના માનસપટ પર એવી ને એવી તાજી છે.
સન 1969ના વિનાયકભાઈના જીવનની અંતિમ ક્ષણોમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તેમના ઘરે તેમને આશીર્વાદ આપવા પધાર્યા હતા. યોગીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી અને સાથે વિનાયકભાઈની પણ આરતી ઉતારી તેમનું પૂજન કર્યું હતું. પ્રાસાદિક હાર પહેરાવીને યોગીજી મહારાજે તેમને પૂછ્યું હતું કે ‘કાંઈ ઇચ્છા છે ?’ ત્યારે પ્રત્યુત્તરરૂપે વિનાયકભાઈએ માત્ર સ્મિત કરીને બે હાથ જોડ્યા. શાસ્ત્રીજી મહારાજનાં આશીર્વાદથી પૂર્ણકામ, સંતુષ્ટ અને સંતૃપ્ત થયેલા વિનાયકભાઈ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ સમાન યોગીજી મહારાજનાં ચરણોમાં માત્ર મસ્તક ઝુકાવી રહ્યા. યોગીજી મહારાજે તેમને આશીર્વાદ આપીને વિદાય લીધી અને બીજા જ દિવસે તા. 22-4-1969ના રોજ તેમણે ક્ષર દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં પ્રયાણ કર્યું.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવમાં આવેલા ધુરંધર મહાનુભાવોમાંના એક હતા - વિનાયકભાઈ.
રગેરગમાં વ્યાપેલું એક સજ્જનપણું કહો કે નરસિંહ મહેતાએ વર્ણવેલ વૈષ્ણવના ગુણધારક સાચા ‘વૈષ્ણવ’ કહો, વિનાયકરાય સાહેબ સૌને માટે સદાય એક દીવાદાંડી રૂપ બની રહેશે.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS